ATMમાં મદદના બહાને કાર્ડ બદલાવવાનું કૌભાંડ
ATMમાં ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવામાં મદદ કરવાના બહાને લોકો પાસેથી PIN જાણી અસલ ડેબિટ કાર્ડ બદલી નાખવાના કેસમાં કોર્ટે બે આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. રવિ હોશિયારસિંગ કુમાર અને સંજય પ્રેમસિંગ સૈનીની જામીન અરજી એડીશનલ સેશન્સ જજ જે.આઇ. પટેલે ફગાવી દીધી છે.
PIN જાણી ડમી કાર્ડ આપી દેતા
કોર્ટ સમક્ષ રજૂ થયેલી વિગતો મુજબ આરોપીઓ એવા લોકોને નિશાન બનાવતા હતા જેમને ATMમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા અંગે મુશ્કેલી પડતી હોય. મદદ કરવાના બહાને તેમની પાછળ ઊભા રહીને PIN જાણી લેતા અને ત્યારબાદ અસલ ડેબિટ કાર્ડ બદલીને તેના જેવું ડમી કાર્ડ આપી દેતા હતા. બાદમાં અન્ય ATMમાંથી પૈસા ઉપાડી આર્થિક ફાયદો મેળવતા હોવાનો આરોપ છે.
રૂ.1.50 લાખ ઉપાડ્યાનો આરોપ
આ કેસમાં આરોપીઓએ ફરિયાદીનું અસલ ડેબિટ કાર્ડ બદલી નાખ્યા બાદ અન્ય ATMમાંથી રૂ.1.50 લાખ ઉપાડી લીધા હોવાનો આરોપ છે. તપાસમાં આ પ્રકારની છેતરપિંડીના કુલ 11 ગંભીર ગુનાઓ આરોપીઓ સામે નોંધાયેલા હોવાનું કોર્ટ સમક્ષ રજૂ થયું હતું.
બચાવ પક્ષે શું દલીલ કરી?
આરોપીઓ તરફથી જામીન અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે તેમની સામે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં શરૂઆતમાં અજાણ્યા ઇસમોનો ઉલ્લેખ હતો અને આ ગુનામાં તેમની કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા ન હોવા છતાં તેમને ખોટી રીતે સંડોવવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
સરકારી વકીલે ગુનાહિત ઇતિહાસ રજૂ કર્યો
જામીનનો વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પર ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા મુજબ બંને આરોપીઓ સામે આ પ્રકારના 11 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ ગુનો કર્યા બાદ હરિયાણા જતા રહેતા અને થોડા સમય પછી પરત આવી ફરી આવી જ રીતે ગુનાઓ કરતા હોવાની પણ કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી.
કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો
સરકારી પક્ષે એવી દલીલ પણ કરી હતી કે આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવે તો તેઓ ફરી ફરાર થઈ શકે તેવી શક્યતા છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેસની ગંભીરતા અને આરોપીઓના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને બંને આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.

