ઐતિહાસિક વેપાર કરાર તરફ ભારત-EU
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના વેપાર સંબંધોમાં ઐતિહાસિક વળાંક આવ્યો છે. EU-India Free Trade Agreement (FTA)ને હસ્તાક્ષર અને અંતિમ મંજૂરીની દિશામાં આગળ વધારવા માટે યુરોપિયન કમિશને સત્તાવાર પ્રસ્તાવ EU કાઉન્સિલ સમક્ષ રજૂ કર્યો છે. મંજૂરી અને જરૂરી આંતરિક પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આ બંને પક્ષો વચ્ચેનો અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર બની શકે છે.
96.6% માલ પર ટેરિફમાં ઘટાડો
આ કરારનો સૌથી મોટો ફાયદો યુરોપિયન નિકાસકારોને મળશે. કરાર હેઠળ ભારત આવતી EUની 96.6% માલ-નિકાસ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં અથવા સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. યુરોપિયન કમિશનના અંદાજ મુજબ આ ટેરિફ ઘટાડાથી યુરોપિયન નિકાસકારોને દર વર્ષે આશરે 4 બિલિયન યુરોની ડ્યુટી બચત થઈ શકે છે. 2032 સુધીમાં EUથી ભારતમાં થતી માલની નિકાસ બમણી થવાની પણ અપેક્ષા છે.
કારથી વાઈન સુધી મોટો ફેરફાર
FTA હેઠળ યુરોપિયન કાર પર લાગતો ટેરિફ તબક્કાવાર 110%થી ઘટીને 10% સુધી આવી શકે છે. કાર પાર્ટ્સ પરની ડ્યુટી પણ આગામી 5થી 10 વર્ષમાં દૂર કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત વાઈન, ઓલિવ ઓઈલ, ચોકલેટ અને અન્ય યુરોપિયન ખાદ્ય ઉત્પાદનો માટે પણ ભારતીય બજારમાં ટેરિફ ઘટાડાની જોગવાઈ કરવામાં આવી છે.
સંવેદનશીલ કૃષિ ક્ષેત્રને સુરક્ષા
વેપાર ખોલવાની સાથે ભારતે પોતાના સંવેદનશીલ કૃષિ ક્ષેત્રોને સુરક્ષિત રાખવા માટે પણ જોગવાઈઓ કરી છે. બીફ, ચિકન, ચોખા, ખાંડ સહિતના કેટલાક સંવેદનશીલ કૃષિ ઉત્પાદનો માટે હાલની સુરક્ષા વ્યવસ્થા યથાવત રહેશે. બીજી તરફ, ભારતીય ઉત્પાદકોને EU માર્કેટમાં પ્રવેશ માટે યુરોપિયન આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા માપદંડોનું પાલન કરવું પડશે.
સર્વિસ સેક્ટરને પણ મળશે તક
આ કરાર માત્ર માલના વેપાર સુધી મર્યાદિત નથી. તેમાં ફાઇનાન્શિયલ સર્વિસિસ અને મેરિટાઇમ ટ્રાન્સપોર્ટ સહિતના ક્ષેત્રોમાં માર્કેટ એક્સેસ વધારવાની જોગવાઈ છે. સાથે જ પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, મજૂર અધિકારો અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓને આવરી લેતો ટકાઉ વિકાસનો અધ્યાય પણ સામેલ છે.
2007થી ચાલી રહી હતી વાતચીત
ભારત અને EU વચ્ચે FTA માટેની વાટાઘાટો વર્ષ 2007માં શરૂ થઈ હતી. લાંબા સમય બાદ 2013માં વાટાઘાટો અટકી ગઈ હતી અને 2022માં ફરી શરૂ થઈ. અંતે 27 જાન્યુઆરી 2026ના ભારત-EU શિખર સંમેલનમાં વાટાઘાટો પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી.
હજી કરાર લાગુ થયો નથી
મહત્વનું એ છે કે કમિશન દ્વારા પ્રસ્તાવ રજૂ થયો હોવાનો અર્થ FTA તાત્કાલિક અમલમાં આવી ગયો એવો નથી. હવે EU કાઉન્સિલની મંજૂરી, હસ્તાક્ષર અને ત્યારબાદ બંને પક્ષોની જરૂરી આંતરિક કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવાની રહેશે. આ તમામ તબક્કા બાદ જ કરાર આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ અમલમાં આવશે.

